સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સંસ્કૃત વિભાગ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ‘સંસ્કૃત સાહિત્યમાં સદ્ભાવના’ વિષય પર ઓનલાઇન ઝૂમ એપ્લીકેશનના માધ્યમથી તા.૨૩/૮/૨૦૨૧ સોમવારે સવારે 10:00 થી 12:40 દરમ્યાન રાજ્યસ્તરીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેબીનારના સંચાલિકા તરીકે સંસ્કૃત વિભાગના અધ્યાપિકા ડૉ. રાજવી ઓઝાએ વૈદિક મંગલ મંત્રથી આ પ્રસંગનો આંરભ કર્યો. તેમણે સાથે સાથે સંસ્કૃત તેમજ અંગ્રેજી સાહિત્યમાંથી સદ્ભાવનાને લગતા અવતરણો આપીને સમગ્ર વેબીનારની પીઠિકા રચી.
આ વેબીનારના સંયોજક સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.ઈશ્વર મહેરા એ મહેમાનોનું તથા આ વેબિનારના વિદ્વાન વક્તાશ્રીઓનું તથા આચાર્યશ્રીનું તેમજ વેબિનારના પ્રતિભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ડૉ. મેહરાએ વેબિનારનો ઉદ્દેશ સ્પષ્ટ કરીને સંસ્કૃત સાહિત્યમાં સદ્ભાવના – એ વિષયની ભૂમિકા બાંધી હતી. સદ્ભાવનાના અર્થો ધરાવતા વૈદિક મંત્રો અને સંસ્કૃત સાહિત્યમાં સદ્ભાવના વિષયક શ્લોકો તેમણે ટાંક્યા અને એક વૈચારિક ભૂમિકા બાંધી આપી.
ત્યાર પછી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાએ ‘સંસ્કૃત સાહિત્યમાં સદ્ભાવના’ વિષયમાં પ્રાંસગિક ઉદ્બોધન કરતાં કહ્યુંકે ‘ સદ્ભાવના અને સંસ્કૃત એકબીજાના પર્યાય છે. સંસ્કૃત સ્વયં સદ્ભાવના છે.’ ત્યાર બાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજના આચાર્ય ડૉ. ફાધર લાન્સી ડિક્રુઝએ આશીર્વચન આપતાં કહ્યું સંસ્કૃત ભારતીય સંસ્કૃતિનું મૂળ છે અને તેમાં રહેલા મૂલ્યવાન ખજાનાનો આપણે બધાએ કેવી રીતે વિનિયોગ કરવો તેની અગત્યતા પર ભાર મૂક્યો.
‘વૈદિક સાહિત્યમાં સદ્ભાવના’ વિષય પર પ્રથમ વક્તા ડૉ.ગજેન્દ્ર પંડાએ વેદમાંથી સદ્ભાવનાના મંત્રો ઉદ્ધૃત કર્યા. તેમણે કહ્યુંકે ‘ઋગ્વેદએ સમસ્ત વિશ્વ સંસ્કૃતિનો પ્રથમ ગ્રંથ છે, અને તેમા સદ્ભાવનાનાં પ્રાચુર્ય દેખાય છે. તેમાં તેમણે પોતાની વિદ્વતાભરી શૈલીમાં સદ્ભાવનાના અર્થ વિસ્તાર કર્યા અને સૌને આવી સદ્ભાવના ના વાહક બનવા આહ્વાન કર્યું હતું. બીજા વક્તા ડૉ. ગિરીશ સોલંકીએ ‘પ્રાણીકથાઓમાં સદ્ભાવના’ વિષય પર PPT સાથે રસપ્રદ વ્યાખ્યાન માં સદ્ભાવનાને એક જીવન મૂલ્ય તરીકે ગણાવ્યું તથા પંચતંત્ર અને હિતોપદેશની પ્રાણીકથાઓ કેવી રીતે સદ્ ભાવનાને પોષે છે તે સરસ રીતે સમજાવ્યું હતું. આ વેબીનારના ત્રીજા વક્તા ડૉ.મનુભાઈ પરમારે ‘ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં સદ્ભાવના વિશે સુંદર છણાવટ કરતાં તેમણે મૃચ્છકટિક, અભિજ્ઞાનશાકુંતલ જેવા ગ્રંથોમાંથી ઉદાહરણો આપીને સંસ્કૃત સાહિત્યમાં સદ્ ભાવનાને ઉજાગર કરી હતી
ત્યાર પછી સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.ઈશ્વર મહેરાએ સંસ્કૃત સાહિત્ય સદ્ ભાવનાનો ભંડાર છે એમાંથી આપણે સુસંસ્કૃત બનીએ છીએ એમ જણાવી સમગ્ર વેબીનારમાં પ્રસ્તુત થયેલા વકતવ્યોનો સાર પોતાની સરળ શૈલીમાં રજુ કરી. કાર્યક્રમના અંતે આ વેબિનારમાં જોડાયેલા સર્વનો આભાર વ્યક્ત કર્યો. આ વેબિનારના સમાપનમાં ડૉ. રાજવી ઓઝાએ વૈદિક ઋચા ‘અમને ચારેબાજુથી સુંદર વિચારો પ્રાપ્ત થાઓ’. એ ટાંકી અને આ વેબિનારમાં જોડાયેલા સૌનો અંત:કરણથી આભાર માન્યો હતો.
આ વેબિનારમાં 82 સંસ્કૃત અનુરાગીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને 29 જેટલા સંસ્કૃત અનુરાગીઓ ઓનલાઇન વેબિનારમાં જોડાયા હતા અને બાકીના સંસ્કૃત અનુરાગીઓએ ગુજરાત સાહિત્ય અકાદમીના ફેસબુક પર જીવંત પ્રસારણ નિહાળ્યું અને સાંભળ્યું હતું.
આ ઓનલાઇન વેબિનારને સફળ બનાવવા માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સેન્ટ ઝેવિયર્સ કૉલેજના આચાર્યશ્રી ફા. ડૉ. લાન્સી ડિક્રુઝ, ઉપાચાર્ય ફા. વિનાયક જાદવ તથા ઉપાચાર્ય ડૉ. મલ્લિકા મેમ તથા પ્રો. ડૉ. સંજીવ ગુપ્તાનું મહત્વનું યોગદાન રહ્યું હતું. કાર્યક્રમના સંયોજકશ્રી ડૉ.ઈશ્વર મેહરા એ ખૂબજ ટૂંકા ગાળામાં આ કાર્યક્રમનું આયોજન કરીને સંસ્કૃત સપ્તાહને સાર્થક કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપિકા ડૉ. રાજવી ઓઝાએ સુંદર રીતે કર્યું હતું.